અરવિંદ કેજરીવાલ સરકારના બે મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પોતપોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી કેજરીવાલે પણ બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામું આપનાર બંને નેતાઓ અલગ-અલગ કેસમાં આરોપી છે.
મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં સીએમ અરવિંદ કેજરીવાલ પછી સૌથી મોટા નેતા છે.
તેમની પાસે દિલ્હી સરકારમાં કુલ 33માંથી 18 વિભાગો છે. સિસોદિયાની ધરપકડ અને રાજીનામા બાદ AAP સરકાર સામે સમસ્યા એ છે કે તેમનું કામ કોણ સંભાળશે?
સિસોદિયા પાસે શિક્ષણ, જાહેર બાંધકામ, નાણા, આબકારી, ઉર્જા, પાણી, આરોગ્ય જેવા સૌથી મહત્વપૂર્ણ વિભાગો હતા. જ્યારે સત્યેન્દ્ર જૈન 9 મહિનાથી તિહાર જેલમાં છે. જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે. સિસોદિયા તેમના વિભાગોની સાથે સત્યેન્દ્ર જૈનના વિભાગોનું કામ પણ જોતા હતા.
આ પહેલા દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન માટે પહેલા હાઈકોર્ટમાં જવાની સલાહ આપી છે. આ પછી, આમ આદમી પાર્ટીએ કહ્યું કે તે સિસોદિયાના જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરશે. સિસોદિયા હાલ 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર, જૈન પર અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સત્યેન્દ્ર જૈન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ખાસ હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે નવેમ્બરમાં તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. વીડિયો પછી બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ AAP પર પ્રહારો કર્યા અને આમ આદમી પાર્ટીને સ્પા-મસાજ પાર્ટી ગણાવી. જોકે, વીડિયો સામે આવ્યા બાદ મનીષ સિસોદિયા તરત જ સત્યેન્દ્ર જૈનની તરફેણમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે જૈન બીમાર છે અને ડોક્ટરોની સલાહ પર ફિઝિયોથેરાપી લઈ રહ્યા છે.
Tags
Gandhinagar