કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ કાલે ઑથોરિટીએ જૈશ-એ-મોહમ્મદના મિલિટન્ટ કમાન્ડર આશિક નેંગરુના મકાનને તોડી પાડ્યું હતું. નેંગરુ ૨૦૧૯માં પાકિસ્તાન જતો રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે તે દોષી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજપોરામાં ન્યુ કૉલોની ખાતે બે માળનું આ મકાન સરકારી જમીન પર હતું.

પોલીસની હાજરીમાં જિલ્લા ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા એનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. નેંગરુ જૈશ-એ-મોહમ્મદનો વૉન્ટેડ કમાન્ડર છે. ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો તે આરોપી છે, જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા.

આ વર્ષે એપ્રિલમાં કેન્દ્ર સરકારે નેંગરુને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. એક નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાં તેની સંડોવણી છે. એ સિવાય જમ્મુ-કાશ્મીરમાં જુદી-જુદી આતંકવાદી ગતિવિધિ માટે પણ તે જવાબદાર છે.

તે પાકિસ્તાનથી કાશ્મીરમાં ટેરર સિન્ડિકેટ ચલાવી રહ્યો છે. દરમ્યાનમાં આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ મકાનના ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. આ સંગઠને અધિકારીઓ અને પોલીસ જવાનોને ગંભીર પરિણામની ધમકી આપી હતી.

Post a Comment

Previous Post Next Post