દેશદ્રોહી દિપકે રાજસ્થાન પોખરણના આર્મી ટેન્ક તથા ટ્રકના ફોટા પાકીસ્તાન મોકલાવ્યા

સુરતના ડિંડોલી ખાતે રહેતા યુવક દ્વારા પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈને ગુપ્ત માહિતીઓ મોકલવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ દિપક સાળુંકે નામક આરોપીની ધરપકડ બાદ તેને રિમાન્ડ અર્થે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. પોલીસે તેના 14 દિવસનમા રિમાન્ડની માંગ કરી હતી.

કોર્ટે આરપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આરોપીને પાકિસ્તાનથી કુલ કેટલી રકમ મળી છે તે સહિતની વધુ વિગતોનો ઘટસ્ફોટ હવે આગામી દિવસોમાં સામે આવશે.

શહેરના ડિંડોલી ખાતે રહેતો દિપક સાળુંકેએ કોરોના મહામારી દરમ્યાન નોકરી - ધંધો ગુમાવી બેસતાં મની ટ્રાન્સફરના ધંધા ઝંપલાવ્યું હતું. જો કે તેમાં પણ તેને કોઈ ખાસ સફળતા મળી ન હતી. અલબત્ત, આ દરમ્યાન તે ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં હમીદ દ્વારા દિપક સાળુંકેને વાતોમાં ભોળવીને પ્રિ-એક્ટીવ ભારતીય સીમ કાર્ડ આપવા માટે જણાવ્યું હતું અને આ દરમ્યાન તેને પાકિસ્તાનથી અલગ - અલગ બેંક એકાઉન્ટ મારફતે 75 હજાર રૂપિયા જેટલી રકમ મોકલવામાં આવી હતી. વોટ્સએપ મેસેજ અને કોલિંગથી એકબીજા સાથે સંબંધો ગાઢ થયા બાદ હમીદ દ્વારા દિપક સાળુંકેને ભારતીય સેનાની ઈન્ફ્રન્ટ્રી, રેજિમેન્ટ સહિત આર્ટિલરી અને બ્રિગેડની માહિતીઓ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. અલબત્ત, ગત રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી દિપક સાળુંકેની ધરપકડ કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
તોઆજરોજ તપાસમાં જોતરાયેલી સુરત પોલીસ દ્વારા આરોપી દિપક સાળુંકેને કોર્ટ સમક્ષ રિમાન્ડ અર્થે રજુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં આરોપી દ્વારા પાકિસ્તાન ખાતે મોકલેલ ઈન્ડીય આર્મીના ફોટા અને તેને મળેલ રૂપિયા અંગેની તપાસ કરવા માટેની રજુઆત કરી હતી. કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં આ દલીલો કરી

- ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબ જ અગત્યની હોય તેવી ભારતીય સેનાની ગુપ્ત માહિતી જેમા રાજસ્થાન પોખરણ ખાતેના આર્મીના મુવમેન્ટ માટે આર્મી ટેન્ક તથા ટ્રક વિગેરેના ફોટો પાડોશી દુશ્મન દેશ પાકીસ્તાનનો કરાચીમા રહેતો હમીદ નામનો આઇ.એસ.આઇ. એજન્ટ ના મોબાઇલ ઉપર મોકલેલ છે. જે ફોટા તેણે ક્યાંથી અને કઈ રીતે મેળવેલ છે.

- આરોપીના ખતામાં આવેલ રૂ. 75 હાજર અંગેના ટ્રાન્જેક્શન બાબતે ઉંડાણ પૂર્વક પુછપરછ કરવા માટેપાકિસ્તાની નાગરીક હમીદને ભારતીય સીમ કાર્ડ કેટલા મોકલ્યા અને કોના નામે મોકલ્યા છે, આ સીમકાર્ડ હમીદને પાકિસ્તાન ખાતે કઈ રીતે પોંહચાડેલ છે તે હકીકત બાબતે ઉંડાણ પુર્વકની પુછપરછ કરવા માટે

- આરોપીને મોકલવામાં આવેલ ક્રિપ્ટો કરન્સી અંગેની તપાસ કરવા માટે

- આરોપીએ ગ્રુપમાંથી ફીલીપાઇન્સ અને દુબઇ ખાતે હવાલા મારફતે નાંણકીય વ્યવહારો કરેલ હોવાનુ જણાવે છે. જેથી સદરહુ આરોપીએ આવા હવાલા મારફતે વિદેશથી કોની કોની પાસેથી ? કેટલી રકમ ? કઈ રીતે મેળવેલ છે ? તે બાબતે આરોપીની ઉંડાણ પૂર્વક પુછપરછ કરી મની ટ્રેઇલ શોધવા માટે તેની હાજરીની જરૂરત છે.

- આરોપીએ રેગ્યુલર વોટ્સપ તેણે મોબાઈલ ફોનમાંથી ડીલીટ મારી દીધેલ હોય જેથી આરોપી પાસે તેણે ડીલીટ મારેલ વોટ્સપનો ડેટા બેકપ લેવડાવી તેમાં થયેલ ચેટ બાબતે મજકુર આરોપીને પુછપરછ કરી ગુન્હાના મુળ સુધી પોંહચવા તેની હાજરીની જરૂરત છે.

- આ કામે પાકિસ્તાની હામીદ સિવાય અન્ય કોઈ દેશ વિરોધ્ધી પ્રવૃતિ કરતા વ્યક્તિ કે સંગઠનો સાથે હાલના આરોપીનુ કોઈ કનેક્શન છે કે કેમ ? તે દિશામાં ઉંડાણ પુર્વક પુછપરછ કરવા

આરોપીના મોબાઈલ - કોમ્પ્યુટરની ફોરેન્સિક તપાસ થશે

ડિંડોલી ખાતે રહેતા અને મની ટ્રાન્સફરના ધંધા સાથે સંકળાયેલા દિપક સાળુંકેની ધરપકડ બાદ હવે તપાસના ચક્રો ગતિમાન થઈ ચુક્યા છે. આરોપીની ઓફિસ અને ઘરેથી મોબાઈલ ફોન તથા કોમ્પ્યુટર - લેપટોપ જપ્ત કરીને હવે આ તમામને ફોરેન્સિક તપાસ માટે મોકલવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચંર સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા દિપક સાળુંકેના કોમ્પ્યુટર - લેપટોપ અને મોબાઈલ થકી હવે આગામી દિવસોમાં કુલ કેટલા રૂપિયાનું ટ્રાન્જેકશન થયું છે તેની સાથે સાથે ભારતીય સેનાની કેવી અને કેટલી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની સંસ્થાને મોકલવામાં આવી છે તે તમામે તમામની હકીકતો બહાર આવશે.

વહેલી તકે એટીએસ સહિતની સંસ્થાઓ તપાસમાં જોડાશે

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા સાથે ઘરોબો ધરાવતાં દિપક સાળુંકેની ધરપકડ બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ દરમ્યાન આજે કોર્ટ સમક્ષ રિમાન્ડની કાર્યવાહી પુરી થયા બાદ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા આરોપીની તપાસ હાથ ધરવામાં આવશે. બીજી તરફ આ સમગ્ર પ્રકરણની જાણ થતાં હવે આગામી દિવસોમાં સેન્ટ્રલ આઈબી સહિત એટીએસની ટીમો પણ દ્વારા દિપક સાળુંકેની સઘન પૂછપરછ કરવામાં આવે તેવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Post a Comment

Previous Post Next Post