ભગવાનના દર્શન કરવા માટે લોકો પોતાના પુન્યોને વધારવા માટે પહોંચતા હોય છે. તેમાં પણ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ. અહીં વર્ષના તમામ દિવસોએ દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવામાં એક ખુબ જ વિચિત્ર પરંતુ આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરમાં દર્શન કરવા બાબતે કેટલાક યુવકોએ પુજારી અને પુજારીના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો છે.
દ્વારકાના ઓખા મંડળની આબરૂના ધજાગરા
દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરની લાઇનમાં વચ્ચેથી દર્શન કરવા માટેની હઠ પકડી હતી. આ બાબતે મંદિરમાં રહેલા પુજારીના પરિવારે ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ પુજારીના પરિવારને ઢોરમાર માર્યો હતો.
જ્યોતિર્લિંગ જેવી પવિત્ર જગ્યાએ પણ દાદાગીરીનો દોર
આ અંગે પોલીસ ફરિયાદ અનુસાર નાગેશ્વર મંદિરમાં દર્શન માટે રાયાભા કનુભા વાઘેર પોતાના સંબંધીઓને લઇને આવ્યો હતો. તેણે પોતે લાઇનમાં નહી ઉભો રહે અને વચ્ચેથી દર્શન કરાવવા માટેની જીત પકડી હતી. આ અંગે તેમણે પુજારી નયનભારથી ગોસ્વામી અને તેના પિતા હરીશભારથી સાથે ફોનમાં રકઝક કરી હતી. આ બાબતે પુજારી પરિવારે ઇન્કાર કરતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.
પુજારીના સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો
ત્યાર બાદ શૈલેષ કનુભા વાઘેર સહિતના કેટલાક લોકો મંદિરના પરિસરમાં ઘુસી આવ્યા હતા તેમણે અપશબ્દો બોલ્યા હતા અને પુજારી પરિવારમાં નયનભારથી, હરીશભારથી, પ્રકાશભારથી, વિજય ભારથી, પ્રવીણ ભારથી, યશભારથી, ધવલભારથી, દીક્ષિત ભારથી, રવિભારથી સહિતના પુજારી પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલા ખોરો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી
હુમલાખોરોમાં રાયાભા કનુભા, શૈલેષભા, રાણાભા, લઘુભા, રાયાભા, કમલેશબા, કમલેશભા, રાજવીર, રામાભા, ભીખુભા, અતુલભા, સિદ્ધરાજભા, સુકાભા, ઘુઘાભા સહિતના વાઘેર જ્ઞાતીના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે દર્શન માટે આ પ્રકારની લુખ્ખાગીરીના કારણે હાલ ગુજરાતની છબી આવા અસામાજિક તત્વોએ ખરડી નાખી છે.
Tags
Devbhumi Dwarka