સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધેરિયા ગામમાં સ્થિત સરકારી શાળાના રૂમ તોડી પાડીને ત્યાં પંચાયત માટે ઓફિસ બનાવવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકતા કહ્યું છે કે, જો આ અંગે યોગ્ય નિર્ણય લેશો નહીં તો આ બાંધકામ સામે સ્ટે આપીશું
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, પંચાયતની ઓફિસ બનાવવા માટે શાળાની મિલકતનો ઉપયોગ કેવી રીતે કર્યો ? શાળાના રૂમનો ઉપયોગ થતો નથી એટલે શું તેને તોડી પાડશો ? ભવિષ્યમાં એવુ બને કે હોસ્પિટલમાં દર્દીઓ નથી, તો શું હોસ્પિટલને તોડી પાડશો ? સરકારને ટકોર કરી છે કે, શાળાના ભોગે આ પ્રકારનુ બાંધકામ થઈ શકે નહીં. ભણવા માટે એક વિદ્યાર્થી આવતો હોય તો પણ શાળા ચલાવવાની રહેશે. હાઈકોર્ટે અરજદારેને પણ નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં સુરત જિલ્લા પંચાયતને પક્ષકાર બનાવો.
અરજદારના વકીલ ભાવિક આર. સમાની રજૂઆત હતી કે, આ શાળા વર્ષ 1937થી કાર્યરત છે. 2020માં સુરત જિલ્લા પંચાયતે પ્રસ્તાવ મૂકેલો આ શાળાના બે રૂમ તોડીને ત્યાં પંચાયતની ઓફિસ બનાવવી. જોકે, આ પ્રસ્તાવ ફગાવાયેલો અને કારણ એ અપાયેલુ કે ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં આવી શકે છે, જેથી આ રૂમની જરૂર પડશે. આ પછી, વર્ષ 2021માં ફરીથી આવો પ્રસ્તાવ મુકાયેલો અને તેને મંજૂર કરાયેલો. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે પાંચ જુલાઈ 2021ના રોજ સુરત જિલ્લા પંચાયતે આ ઠરાવ પસાર કરેલો અને પછી શાળાના આ બે મકાન તોડયા છે. આ રુમનો ઉપયોગ ન હોવાથી તેને તોડી પાડયા હતા.
Tags
Surat