ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. તે ઉપરાંત બંને પક્ષના ઉમેદવારો કેટલી સીટો જીતશે તેવો દાવો પણ કરી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની જીતને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતુ કે, ભાજપના 27 વર્ષ લાંબા શાસન બાદ હવે પરિવર્તન દેખાઈ રહ્યું છે.
હું ભાજપના 27 વર્ષના શાસનમાં પરિવર્તન જોઈ રહ્યો છુંઃ શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન જ OBC મુખ્યમંત્રી અને SC,ST અને અલ્પસંખ્યક સમુદાયના ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવાશે તેવી જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં મોટાભાગની બેઠકો પર OBC મતદારોનું પ્રભુત્વ વધારે છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ OBC મુખ્યપ્રધાનનુ કાર્ડ રમીને મોટો દાવ રમ્યો છે. તેથી મને એવું લાગે છે કે, મધ્ય, ઉત્તર અને આખો અન્ય વિસ્તાર કોંગ્રેસને મત આપશે. હું ભાજપના 27 વર્ષ લાંબા શાસનમાં હવે પરિવર્તન જોઈ રહ્યો છું.
ભાજપ ગુજરાતમાં હાર ભાળી ગયો છેઃ જગદીશ ઠાકોર
તેમણે દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી પર થયેલા હૂમલા સંદર્ભે કહ્યું હતું કે, પક્ષના આ પ્રકારની અનેક ફરિયાદો મળી છે. તેમણે કહ્યું હતું કે, અમે રાત્રે એક વાગ્યાની આસપાસ ગાંધીનગર જઈને ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરી હતી. આ સમય દરમિયાન અમારા અન્ય મિત્રો પણ ફરિયાદ લઈને પહોંચ્યા હતાં. તેમણે ગુજરાતમાં ભય ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે ભાજપ ગુજરાતમાં હાર ભાળી ગયો છે. એટલે જ આ પ્રકારના કાવાદાવા કરે છે.
કોંગ્રેસ 125 બેઠક હાંસલ કરશેઃ ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બીજા તબક્કાના મતદાન દરમિયાન મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ હાંસલ કરશે. ભાજપે હવાતિયાં શરૂ કરી દીધા છે. ભાજપના નરેન્દ્ર મોદી સહિત સ્ટાર પ્રચરકોને પ્રજાનો ફિક્કો રિસ્પોન્સ મળ્યો હોવાનુ તેમણે જણાવ્યુ છે. જ્યારે ભાજપના અલ્પેશ ઠાકોરે ભાજપ 150 બેઠકો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 19.06 ટકા મતદાન
બીજા તબક્કાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 19.03 ટકા મતદાન થયું છે. આજે 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
Tags
Ahmedabad